English |
“જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે, અને તેના ભંડાર ભરાશે. પણ જેની
પાસે નથી તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે” (માથ્થી ૧૩, ૧૨).
થોડા દિવસ પહેલાં મને સમીર વાઘેલા નામે એક યુવાનનો ઇ-મેઈલ મળ્યો. એમાં સમીરે મને એક પ્રશ્ન પૂછ્યો છે: “ઈસુએ કહ્યું છે કે, ‘જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે, અને તેના ભંડાર ભરાશે. પણ જેની પાસે નથી તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે.’ ફાધર વર્ગીસ, મને આનો સાચો અર્થ સમજાવો.”
ઈસુનું ઉપરોક્ત કથન પ્રથમ ત્રણેય શુભસંદેશમાં આવે છે (માથ્થી ૧૩, ૧૨; ૨૫, ૨૯; માર્ક ૪, ૨૫; લૂક ૮, ૧૮). કોઈપણ વાત સમજવા માટે એનો સંદર્ભ મદદરૂપ થઈ શકે છે. આપણે જાણીએ છીએ કે, ભગવાન ઈસુ લોકોને ર્દષ્ટાંતો દ્વારા પોતાની વાત સમજાવતા હતા. પછી ઈસુ પોતાના શિષ્યોને એકલા મળતા ત્યારે ફોડ પાડીને પોતાની વાત એમને બરાબર સમજાવતા હતા.
ઈસુની ઉપરોક્ત વાત સમજવા માટે એનો સંદર્ભ એટલે ઈસુએ આપેલાં ર્દષ્ટાંતો આપણને મદદરૂપ થઈ શકે છે. માથ્થીકૃત શુભસંદેશના તેરમા અધ્યાયની શરૂઆતમાં “વાવનાર અને બી”નો ર્દષ્ટાંતબોધ આવે છે. સંપૂર્ણ બાઇબલમાં “જેવી જમીન તેવો પાક” (માથ્થી ૧૩, ૧-૧૧) એવું શીર્ષક એ ર્દષ્ટાંત માટે વાપરવામાં આવ્યું છે. એ ર્દષ્ટાંતને અંતે ઈસુ પોતાની વાતનું હાર્દ શિષ્યોને સમજાવતાં કહે છે કે, “જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે, અને તેના ભંડાર ભરાશે. પણ જેની પાસે નથી તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે.”
ઈસુનો આ જ સંદેશ આ શબ્દોમાં સંત માથ્થીએ ફરીવાર પચ્ચીસમાં પ્રકરણમાં રજૂ કર્યો છે. ત્યાં શેઠે પોતાના ત્રણ નોકરોને પોતાની મિલકત સોંપી દીધાનો ર્દષ્ટાંતબોધ છે. સોનામહોરનું પ્રસ્તુત ર્દષ્ટાંત સંપૂર્ણ બાઇબલમાં ‘વાપર્યે વધે’ શીર્ષક હેઠળ જોવા મળે છે (માથ્થી ૨૫, ૧૪-૨૯). દસ હજાર સોનામહોર મેળવેલ પહેલા નોકરે અને પાંચ હાજર સોનામહોર મેળવેલ બીજા નોકરે પોતાને મળેલી સોનામહોર વેપારમાં રોકીને બમણી કરી હતી. જયારે ત્રીજા નોકરે પોતાને મળેલી સોનામહોર ભોંયમાં સંતાડી દીધી હતી. શેઠ આવીને ત્રણેય નોકરો સાથે હિસાબ ચોખ્ખો કરવા બેઠા, ત્યારે પ્રથમ બે નોકરો પોતાને મળેલી સોનામહોરની બમણી રકમ સાથે શેઠ આગળ હાજર થયા. પણ ત્રીજો નોકર પોતાને મળેલી સોનામહોર બિલકુલ વાપર્યા વિના એની એ જ સોનામહોર પરત લાવ્યો હતો.
આ ર્દષ્ટાંતબોધની જેમ મારા એક અનુભવની વાતથી ઈસુની વાત સમજવા પ્રયત્ન કરીએ. મારું ઘર બારેમાસ વહેતી નદીને કિનારે છે. વળી, અમારા ખેતરને અડીને તળાવ અને ઝરણું છે. એટલે બાળપણથી હું તરતા શીખ્યો હતો. હાઇસ્કૂલમાં હતો ત્યારે નદીમાં જો પૂર આવ્યું હોય તોપણ નદીમાં સ્નાન કરવા કે પ્રવાહ સામે તરીને સામે કાંઠે પહોંચવામાં મને બીક નહોતી. વર્ષો પછી અમદાવાદમાં કૉલેજમાં જોડાયો ત્યારે સેંટ ઝેવિયર્સ કૉલેજ વતી યુનિવર્સિટી કક્ષાની તરણની સ્પર્ધામાં મેં ભાગ લીધો હતો. આમ, બાળપણથી એક તરવૈયા તરીકેનો મારો અનુભવ હતો અને આવડત હતી. પછી એક-બે દાયકાઓ સુધી વહેતા પાણીમાં તરવાનો મેં કોઈ પ્રયોગ કે અખતરો કર્યો નહોતો. પણ એક સારા તરવૈયા હોવાનો મને ગર્વ હતો.
એકવાર મારા કાર્યાલયમાં પાંચ યુવાનો સાથે હું કેરળમાં મારે ઘેર રજા માણવા માટે ગયો. એક દિવસ અમે બધા નદીમાં સ્નાન કરવા ગયા. મારા યુવાન મિત્રોને નદીના છીછરા પાણીવાળા ભાગમાં જ સ્નાન કરવાનું કહીને મેં એક તરવૈયાના ગર્વ સાથે નદીમાં ઝંપલાવ્યું. હું પાણીના ધસમસતા પ્રવાહને ગણકાર્યા વિના સામે કાંઠે પહોંચવા તરવા લાગ્યો. જોશબંધ પ્રવાહમાં નદીની વચ્ચે પહોંચ્યો ત્યાં સુધીમાં મારી બધી શક્તિઓ કામે લગાડી હતી. ભારે પ્રવાહ સામે હારી જવાના અને જીવન ખોઈ બેસવાના ખતરામાં હતો. કારણ, હું જાણતો હતો કે હું તરવાનું છોડી દઈશ તો પાણી એક ઘુમરી તરફ વહેતું હતું તે વમળમાં હું ફસાઈશ. એટલે જીવન અને મૃત્યુનો ખેલ ખેલીને હું માંડ માંડ સામે કાંઠે પહોંચ્યો!
વીસ વર્ષની ઉંમરે કેરળ છોડવા સાથે નદીના વહેતા પાણીમાં તરવાનો અખતરો પણ છોડી દીધો હતો. એટલે મારામાં પ્રવાહ સામે તરવાની આવડત અને શક્તિ ઘટી ગઈ હતી. પણ જૂના અનુભવ અને જૂની શક્તિ પર મદાર બાંધીને ગર્વથી મેં નદીના પ્રવાહ સામે ઝંપલાવ્યું હતું. મારી એ બેવકૂફીનો મને પાછળથી ખ્યાલ આવ્યો. વણવાપર્યો મારો અનુભવ અને મારી આવડત સમયના વહેણમાં મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં હતાં. પ્રભુની અસીમ દયાથી તે દિવસે હું હેમખેમ બચી ગયો હતો. એ દિવસે હું નદીમાંથી બહાર આવ્યો ત્યારે કદી ન અનુભવ્યો હોય એટલા ઝડપથી મારા હૃદયના ધબકારાનો મને અનુભવ થયો હતો. આજે એની યાદમાત્રથી મારાં રૂવાંડાં ખડાં થઈ જાય છે.
મારા જીવનનો એક બીજો દાખલો આપું. હું સંસ્કૃત, ગ્રીક, મરાઠી જેવી કુલ દસ ભાષાઓ શીખ્યો છું. કૉલેજમાં સંસ્કૃત મારી ગૌણ ભાષા હતી. પણ હવે મેં શીખેલી અને મને આવડતી હતી તેવી ભાષાઓ વર્ષોથી બિલકુલ વાપરી ન હોવાથી મોટા ભાગની ભાષાઓ હું ભૂલી ગયો છું. પણ ઇટાલિયન અને ફ્રેન્ચ જેવી ભાષાઓ હું વખતો—વખત વાપરતો રહું છું એટલે મને થોડીઘણી આવડે છે.
આવા બધા અનુભવો પછી આજે હું ઈસુનો સંદેશ બરાબર સમજી શકું છું કે, “જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે, અને તેના ભંડાર ભરાશે. પણ જેની પાસે નથી તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે.” (માથ્થી ૨૫, ૨૯). (લેખક સાથેનો સંપર્ક:
यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.
; Mo. 094288265