English |
પ્રભુ ઈસુનું એક ખૂબ જાણીતું વાક્ય છે. બાઇબલમાં સંત માર્કકૃત શુભસંદેશમાં એક વાક્ય આવે છે: “ગરીબો તો તમારી સાથે હંમેશાં રહેવાના જ છે” (માર્ક ૧૪, ૭).
શુભસંદેશકાર માર્કે ઈસુના આ વિધાનનો સંદર્ભ વિગતવાર નોંધ્યો છે. “હવે, ઈસુ બેથાનિયામાં કુષ્ઠરોગી સિમોનને ત્યાં હતાં. તેઓ ભોજન કરવા બેઠા હતા એવામાં એક બાઈ આરસપહાણની કૂપીમાં અસલ જટામાસીનું ખૂબ કીમતી અત્તર લઈને આવી. તેણે તે કૂપી તોડીને અત્તર ઈસુના માથામાં રેડી દીધું. ત્યારે કેટલાક લોકો રોષે ભરાઈને માંહોમાહે બબડવા લાગ્યા, ‘અત્તર આમ બગાડવાનો શો અર્થ છે? આ અત્તર જો વેચ્યું હોત તો એના ત્રણસો રૂપામહોર કરતાં વધુ દામ ઊપજ્યા હોત, અને તે ગરીબોને આપી શકાત.’ અને તેઓ તેને સખત શબ્દોમાં ઠપકો આપવા લાગ્યા.
“પણ ઈસુએ કહ્યું, ‘એને જેમ કરવું હોય તેમ કરવા દો. તમે શું કરવા એને કનડો છો? એણે તો મારા માટે બહુ સારું કામ કર્યું છે. ગરીબો તો તમારી સાથે હંમેશાં રહેવાના જ છે. તેમનું ભલું તો તમે ફાવે ત્યારે કરી શકો છો, પણ હું કંઈ હંમેશાં રહેવાનો નથી. આ બાઈએ એનાથી થયું એટલે કર્યું છે. એણે પહેલેથી મારા દેહને દફનની તૈયારીરૂપે અત્તર લગાડ્યું છે’” (માર્ક ૧૪, ૩-૮).
ઈસુ પોતાના જાહેરજીવનના અંતે પહોંચ્યા છે. ત્રણેક વર્ષના જાહેરજીવન દરમિયાન તેઓ ઘણી વાર ગરીબોની વહારે આવ્યા હતા. મંદિરના ભંડારમાં એક ગરીબ વિધવાને બે કોડી અર્પણ કરતી જોઈને ઈસુએ એની પ્રશંસા કરતાં કહ્યું હતું, “હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ બધા કરતાં વધારે નાખ્યું છે, કારણ, એ બધાએ તો પોતાની પાસે જે વધારાનું હતું તેમાંથી ભંડારમાં નાખ્યું છે, પણ આ બાઈ પાસે તો પોતા માટે પણ પૂરતું નહોતું. છતાં એણે પોતાની જીવાદોરી જ આપી દીધી છે” (લૂક ૨૧, ૨-૪).
ગરીબોની વહારે થવા ઈસુએ ઘણી વાર લોકોને અનુરોધ કર્યો હતો. એક વાર ઈસુના પ્રવાસ દરમિયાન એક ધનિક યુવાને ઈસુને અનુસરવાની વાત કરી. “ઈસુએ એની ઉપર નજર ઠેરવી અને તેમના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો. પછી તેમણે કહ્યું, ‘તારામાં એક વસ્તુ ખૂટે છે; જા, તારી પાસે જે કાંઈ છે તે બધું વેચી નાખ અને જે ઊપજે તે ગરીબોને આપી દે, તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે. ત્યાર પછી આવ, મારે પગલે ચાલ.’ આ સાંભળીને તેનું મોઢું પડી ગયું અને ભારે હૈયે તે ચાલ્યો ગયો; કારણ, તે ભારે સંપત્તિનો ધણી હતો” (માર્ક ૧૦, ૨૧-૨૨).
ઈસુએ માનવમાત્રના આવા પ્રતિભાવ અને વલણને ખ્યાલમાં રાખીને કહ્યું હશે કે, “ગરીબો તો તમારી સાથે હંમેશાં રહેવાના જ છે.” વળી, દેશમાં હંમેશાં કોઈ ને કોઈ ગરીબ હોવાની જૂના કરારની વાતથી પણ ઈસુ પરિચિત હશે. ગરીબોને મદદ કરવાનો અનુરોધ બાઇબલના જૂના કરારમાં પણ છે. અનુસંહિતા ગ્રંથમાં ઈશ્વર પ્રભુ પયગંબર મોશે દ્વારા ઇસ્રાયલી લોકોને જણાવે છે કે, “તમારે તેને (આર્થિક મુશ્કેલીમાં આવી પડેલા જાતભાઈઓને) મોકળે મને અને કચવાટ વગર આપવું. એમ કરવાથી તમારો ઈશ્વર પ્રભુ તમારાં બધાં કાર્યોમાં તમને બરકત આપશે. દેશમાં હંમેશાં કોઈને ને કોઈ તો ગરીબ હોવાના જ, તેથી મારી તમને આજ્ઞા છે કે, તમારા જે કોઈ દેશભાઈ ગરીબ કે મુશ્કેલીમાં આવી પડેલા હોય તેમને છૂટે હાથે મદદ કરજો” (અનસંહિતા ૧૫, ૧૦-૧૧).
આજે દુનિયામાં માનવ પાસે ખાતાં વધે એટલો બધો અન્ન અને ખોરાકનો જથ્થો છે. ગાંધીજીએ એક વાર કહ્યું હતું કે, દુનિયામાં બધા જ માનવોની જરૂરિયાતો પૂરીકરવા માટે સાધનસંપત્તિ છે. પણ માનવોના લોભને પહોંચવા માટે સાધનસંપત્તિ નથી. છતાં નરી વાત્વિકતા એ છે કે, દુનિયાભરમાં દર સેકન્ડે એક બાળક ખોરાકના અભાવે ભૂખે મરે છે. આપણા અર્થશાસ્ત્રીઓ કહે છે કે, દુનિયાના એક કરોડ માનવોને રોજેરોજ એકાદ ડોલર એટલે રૂ.૬૦થી નભાવવું પડે છે. ભારતમાં લાખો ગરીબોને રોજની એક ડોલરની પણ આવક નથી.
આવી પરિસ્થિતિમાં દુનિયાના પટ પરથી ગરીબી અને ભૂખમરાને દૂર કરવા માટે ઇસવીસન ૨૦૦૦માં સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના નેજા હેઠળ દુનિયાના મોટા ભાગના દેશોએ સાથે મળીને ૧૫ વર્ષ માટે એટલે કે ૨૦૧૫ સુધી એક ખાસ યોજના ઘડી કાઢી હતી. પ્રસ્તુત યોજનાને અંતે આવ્યા હોવા છતાં હજી દુનિયના પટ પર ગરીબી અને ભૂખમરાથી મરી જનાર લાખો લોકો દેશવિદેશમાં છે.
આજે પણ ભારત સહીત દુનિયાના કેટલાક દેશોમાં ક્ષય, પોલિયો અને મેલેરિયા જેવા મારક રોગોને કાબૂમાં લાવવા માટેની પૂરતી દવા અને અન્યવ્યવસ્થા થઈ નથી. દુનિયાભરમાં ચારથી પાંચ કરોડ લોકો દર વર્ષે મેલેરિયાનો ભોગ બને છે એમાં મોટા ભાગના લોકો આફ્રિકાના દેશોમાં છે. ભારતમાં ક્ષય રોગ આજે પણ હજારો લોકોને ભરખી જાય છે.
ભારત જેવા ઘણા વિકાસશીલ અને વિકસતા દેશોમાં ક્ષય. મેલેરિયા જેવા મારક રોગોને રોકવા માટે રસી ઉપલબ્ધ હોવા છતાં તે રસી યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ગરીબોને ઉપલબ્ધ નથી.
મહાસત્તા બનવાની દોડમાં આપણો મહાન ભારત દેશ પોતાની ગરીબ પ્રજા સુધી પહોંચી શકતો નથી, એવી આપણી દારૂણ પરિસ્થિતિ છે. એક બાજુ ભારતના સેન્સેક્સ કૂદકે અને ભૂસકે ઊંચે ને ઊંચે ચઢતા રહે છે, તો બીજી બાજુ ભૂખમરા અને ગરીબોથી મરનારની સંખ્યા ખાસ ઘટતી નથી.
ભારતની અને દુનિયાની આવી પરિસ્થિતિમાં વેટિકન નીતિન્યાય અને શાંતિ માટેની પરિષદના અધ્યક્ષ કાર્ડિનલ રેનાટ્ટો માર્તિનીએ કહ્યું છે કે “દુનિયમાં ઘણા બધા લોકો એક ટંકના ભોજન વિના ભૂખે મરી જાય છે ત્યારે સુખ-સાહ્યબીમાં રોજ ત્રણ વાર ભોજન લેનાર લોકો ચોર છે.”
આજે ઘણા લોકોના આચારવિચાર એવા છે કે, જાણે દુનિયામાં કોઈ ગરીબ નથી કે કોઈ ગરીબ હોય તો એમને એમની પડી નથી. આવા સંદર્ભમાં પ્રભુ ઈસુ આપણને યાદ દેવડાવે છે કે “ગરીબ તો તમારી સાથે હંમેશાં રહેવાના જ છે.”
આ વિધાન દ્વારા આપણને – એકવીસમી સદીના ભારતના નાગરીકોને – ઈસુ પૂછે છે, “તમે ભારતના ગરીબોની કંગાલિયતભરી પરિસ્થિતિથી વાકેફ છો? ગરીબોનો જઠરાગ્નિ તમને ભયપમાડતો નથી? ગરીબી હટાવવાનાં કાર્યક્રમો અને યોજનાઓમાં તમારો શો ફાળો છે? તમારા ધર્માચરણમાં તમને ગરીબોની કંઈ પડી છે ખરી?