English |
ઈસુએ એક વાર પોતાના ટીકાકારોને કહ્યું, "હું તો પુણ્યશાળીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું."
ઈસુએ ઠેર ઠેર ફરતા એક સાધુ તરીકે પોતાના જાહેર જીવનની શરૂઆત કરી હતી. તેમણે આરંભમાં જ પોતાની સાથે રહેવા માટે કેટલાક શિષ્યોને પસંદ કર્યા. એમાં એક શિષ્ય જકાતદાર માથ્થી હતા.
જકાતદાત માથ્થી યહૂદી હતા. પરંતુ યહૂદી પ્રજા જકાતદારોને ધિક્કારતી હતી. કારણ, જકાતદારો યહૂદી હોવા છતાં યહૂદીઓ પર રાજ્ય કરનાર રોમન બાદશાહ માટે કામ કરતા હતા. તેઓ પોતાના યહૂદી લોકો પાસેથી જોરજુલમથી કરવેરો ઉઘરાવતા હતા.
જકાતદારો રોમન અધિકારીઓ પાસેથી અમુક રકમથી જકાત ઉઘરાવવાના હક ખરીદી શકતા હતા. પછી આ જકાતદારો કરવેરામાં મનફાવે તેટલી રકમ યહૂદીઓ પાસેથી જબરદસ્તીથી ઉઘરાવી શકતા હતા. એટલે યહૂદીઓ જકાતદારોને જાહેર પાપીઓ ગણતા.
ઈસુએ એવા એક તિરસ્કૃત માનવ માથ્થીને પોતાના શિષ્ય તરીકે પસંદ કર્યા. એટલું જ નહિ, પણ એના ઘરે એક ભોજન સમાંરભમાં બીજા જકાતદારોની સાથે ઈસુ પંગતમાં બેઠા.
યહૂદી ધર્મગુરુ સ્વપ્નમાં પણ ન વિચારે એવા અકલ્પિત પગલાં ઈસુ જાહેરમાં ભરે છે. એટલે યહૂદી સંપ્રદાયના આગેવાનો એવા ફરોશીઓ અને કાયદાના શાસ્ત્રીઓ ઈસુના અન્ય શિષ્યો આગળ બબડાટ કરે છે, "તમે લોકો જકાતદારો અને પાપીઓ સાથે કેમ ખાઓ છો, પીઓ છો?"
ડગલે ને પગલે પોતાનો વિરોધ કરનાર ટીકાકારોને ઈસુએ સચોટ જવાબ આપ્યો. તેમણે ફરોશીઓ અને શાસ્ત્રીઓને કહ્યું, "વૈદ્યની જરૂર સાજાને નથી હોતી માંદાને હોય છે. હું તો પુણ્યશાળીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા અવતર્યો છું જેથી તેઓ હૃદયપલટો કરે" (લૂક ૫, ૨૯-૩૨).
અહીં માનવ પ્રત્યેનું ઈસુનું વલણ સ્પષ્ટ છે. એ વલણ પ્રેમનું વલણ છે. ઈસુનો પ્રેમ કોઈ માનવને બાકાત રાખતો નથી. પાપી અને પુણ્યશાળીઓનો તફાવત કરતો નથી. જેને બધા લોકો પાપી ગણીનેતિરસ્કૃત કરે છે, ધિક્કારે છે, તેનો ઈસુ મિત્ર બને છે.
ઈસુના મિત્રવર્તુળમાં સમાજના તિરસ્કૃત જાહેર પાપીઓ છે, કોઢિયાઓ છે, ગણિકાઓ અને જકાતદારો છે. માનવમાત્ર માનવનો બાહ્ય દેખાવ જુએ છે, જયારે ઈસુ માનવનું અંતર જુએ છે. માથ્થી અને જાખી જેવા પાત્રો ઈસુના પ્રેમના અનુભવથી હૃદયપલટો કરે છે અને ઈસુના શિષ્ય બને છે. ઈસુ પાપીઓ અને પુણ્યશાળીઓ – બધાને આવકારે છે.
ડૉ. ફિલીપ પોર્ટરે પ્રથમ વિશ્વસંમેલનમાં એક ર્દશ્યનું વર્ણન કર્યું છે. દક્ષિણ આફ્રિકાના એક પ્રતિનિધિએ કહ્યું, "બધા સાથે સાથીદારી-ભાગીદારી કરવામાં દોસ્તી છે, મિત્રતા છે. પરંતુ ગોરાઓ અને કાળાઓ એક જ મંચ પર સાથે બેસે એ વાત અઘરી છે. એટલે આપણે ગોરાઓ અને કાળાઓ બે અલગ ભાગમાં મળીએ એ જ યોગ્ય છે." આ સૂચનાનો વિરોધ કરતાં એક સ્ત્રી તરત જ બોલી, "મિત્રતા કે દોસ્તી (Friendship)એ માનવસર્જિત છે. જયારે સત્સંગ (Fellowship) એ ઈશ્વરનું દાન છે. ઈશ્વર માનવને જુએ છે, એના રંગ, વંશ, જાતી કે નોકરી જોતા નથી." એ સ્ત્રી ખરેખર પાપીઓની સોબત માણતા ઈસુને બરાબર સમજી શકી છે.
ન્યૂ યોર્ક ખાતે એક દેવળની દીવાલ પર લખેલું વાક્ય વાંચો: "ડુ કમ ઈન – ટ્રેસપાસેર્સ વીલ બી ફોરગિવન" અર્થ છે કે, "ખુશીથી અંદર આવો, પ્રતિબિંધનો ભંગ કરનારને માફી આપવામાં આવશે."
જાતભાઈઓથી પાપી અને તિરસ્કૃત ગણીને તરછોડાયેલા માથ્થીને ઈસુ પોતાના શિષ્ય તરીકે પસંદ કરે છે. એમાં માથ્થીને અનહદ આનંદ છે. એ આનંદ માથ્થી ઈસુનામાનમાં એક ભોજન સમારંભ ગોઠવીને પ્રગટ કરે છે. સમારંભમાં પધારેલા લોકોમાં યહૂદીઓ જેમને ધિક્કારે છે એવા જકાતદારો અને પાપીઓ પણ છે.
ઈસુ માથ્થીના એ બધા સાથીદાર-ભાગીદારોની સોબતમાં ભોજન માણે છે. ઈસુ બરાબર જાણે છે કે, માથ્થીના આનંદમાં ભાગીદાર બનવાથી એમનો આનંદ બમણો થાય છે. એ જ રીતે પાપી અને જકાતદાર તરીકે પોતાના સમાજમાંથી તિરસ્કૃત થયેલા માથ્થીના દુઃખમાં ઈસુ સહભાગી બનીને એ દુઃખને હળવું કરે છે. અંગ્રેજીમાં સાચું કહેવામાં આવે છે કે,
"Joy shared is joy doubled;
Sorrow shared is sorrow halved".
મતલબ કે, આનંદમાં બીજાને ભાગીદાર બનાવવાથી આનંદ બમણો થાય છે. એ જ રીતે દુઃખમાં બીજાને ભાગીદાર બનાવવાથી દુઃખ અર્ધું થાય છે.
યહૂદી પ્રજા ફક્ત પોતાને જ ઈશ્વરની મુક્તિને પાત્ર ગણતી હતી. પરંતુ ઈસુના આચાર-વિચાર ઘોષણા કરે છે કે, ઈશ્વરની મુક્તિ બધા લોકો માટે છે. પાપીઓ, જકાતદારો, ગણિકાઓ તથા વિદેશીઓ પણ ઈશ્વરની વિશેષ પસંદગીને પાત્ર છે.
આ વાત ઈસુએ પ્રબોધેલાં કેટલાંક ર્દષ્ટાંતોમાં સપષ્ટ થાય છે, સંત લૂકકૃત શુભસંદેશના ૧૫માં અધ્યાયમાં આપેલાં ત્રણ ર્દષ્ટાંત આ વાતનો પુરાવો છે. ખોવાયેલા ઘેટાના ર્દષ્ટાંતને અંતે ઈસુ કહે છે, "જેમને પશ્ચાત્તાપની જરૂર નથી એવા નવ્વાણું પુણ્યશાળી માણસો કરતાં પશ્ચાત્તાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદોત્સવ થશે."
આ જ સંદેશ ખોવાયેલી રૂપામહોરના ર્દષ્ટાંતમાં પણ જોવા મળે છે. એમાં એક બાઈ પોતાની દસ રૂપામહોરમાંથી એક ખોવાઈ જાય ત્યારે તે ખૂબ કાળજીપૂર્વક ખોવાયેલી રૂપમહોરની શોધાશોધ કરે છે. ખોવાયેલી રૂપામહોર એને જડે છે ત્યારે તે બાઈ પોતાની સહિયરોને અને પડોશીઓને બોલાવીને આનંદ કરે છે. ર્દષ્ટાંતને અંતે ઈસુ કહે છે, "એ જ રીતે હું તમને કહું છું કે, પશ્ચાત્તાપ કરનાર એક પાપી માટે પણ ઈશ્વરના દૂતોમાં આનંદ વ્યાપી જાય છે.
ઈસુના પ્રેમ અને સંદેશ કેવળ એમના શિષ્યો અને અનુયાયીઓ માટે માર્યાદિત નથી, પણ બધા માનવો માટે છે. આ જ વાત ઈસુ પોતાના સમગ્ર જાહેર જીવનમાં પોતાના આચાર-વિચારથી સ્પષ્ટ કરતા રહ્યા છે.
યહૂદી લોકો તો પરમધર્મના લોકોને નરકાગ્નિનું ઈંધન માનતા હતા. પરંતુ ઈસુ તો વિધર્મી લોકોને પણ આવકારતા હતા. એક વાર ઈસુ કફરનહૂમ ગયા. ત્યાં ઈસુને એક વિધર્મી સૈનિક સૂબેદારનો ભેટો થયો. એમની શ્રદ્ધા જોઈને ઈસુ પોતાને અનુસરતા યહૂદી લોકોને કહેવા લાગ્યા, "હું તમને કહું છું કે, આવી શ્રદ્ધા તો મેં ઇસ્રાયલમાં (એટલે કે યહૂદી પ્રજામાં) પણ દીઠી નથી!"
એ જ રીતે ઈસુએ યહૂદી પ્રજા આગળ નમૂનેદાર લોકો તરીકે સિદોન પ્રદેશમાં સારફત ખાતે રહેતી પરજ્ઞાતિની વિધવા તથા પરદેશી નામાનને રજૂ કર્યા છે. ઈસુ તમને, મને અને દરેક માનવને આવકારે છે અને પોતાના પ્રેમપાશમાં લે છે એને માટે વધુ કોઈ પુરાવાની જરૂર છે?