Bible_English

પાણીનો દ્રાક્ષાસવ (ફાધર જેમ્સ બી. ડાભી, એસ.જે.)

પ્રસ્તુત લેખના પહેલા ભાગમાં હું પ્રભુની દયાની ઈસુમાં મૂર્તિમંત થતી બતાવવા માગું છું. બીજા ભાગમાં હું મરિયમને કરુણામય માતા તરીકે રજૂ કરવા માગું છું.

પહેલો ભાગ : કાના ગામે લગ્નપ્રસંગે પ્રભુની દયા ઈસુ દ્વારા પ્રગટ થાય છે. ઈસુ લગ્નની ઉજવણી કરતા યજમાન પરિવારને એક મહામુસીબતમાંથી ઉગારે છે. એમ કરવામાં ઈસુ એ પરિવાર પ્રત્યેની પ્રભુની અનુકંપાને વ્યકત કરે છે. કાના ગામમાં કરેલા આ પરચા દ્વારા ઈસુ આપણને સહુને પ્રભુની દયાની સમજ આપે છે. ઇસ્રાયલ દેશના ઉત્તરીય પ્રાંત ગાલીલમાં કાના ગામ આવેલું છે. કાના ગામ દ્રાક્ષવાટિકાઓથી ભરપૂર છે. તેથી ત્યાં દ્રાક્ષાસવની રેલમછેલ હોય તે સમજી શકાય એવી બાબત છે. મા મરિયમનું ગામ નાસરેથ કાનાગામથી લગભગ ત્રણ માઇના અંતરે વસેલું છે.

ચમત્કાર થાય છે લગ્નની ઊજવણી ટાણે. તે સમયની યહૂદી સમાજ્વ્યવસ્થામાં માત્ર પાંચ ટકા વસતી અમીર હતી. લગભગ નેવું ટકા વસતી ગરીબ હતી. મધ્યમવર્ગ તો જાણે હતો જ નહીં. તે વખતે એવું માનવામાં આવતું હતું કે અમીરિ પ્રભુનો આશીર્વાદ દર્શાવે છે. અનીે ગરીબી પ્રભુનો શાપ. ઘણા લોકો એવું પણ માનતા હતા કે સંપતિ અને માલસામાન ઓછા છે. આ અછતનું કારણ એ છે કે કેટલાંક લોકો પાસે તેઓની જરૂરિયાત કરતાં વધું છે. વળી, અમુક ચોક્ક્સ મૂલ્યો ધરાવતી હોય તો એ વ્યકિત સમાજમાં સન્માનપાત્ર. એથી ઉલટું, જો કોઈ વ્યકિતમાં આ ચોક્ક્સ મૂલ્યોનો અભાવ હોય તો એ વ્યકિત સમાજમાં શરમને પાત્ર.

યહૂદી રિવાજ પ્રમાણે લગ્નની ઊજવણી સાત દિવસ ચાલતી. આ ઊજવણી દરમિયાન એક બાબતની વિશેષ કાળજી રાખવામાં આવતી તે બાબત હતી દ્રાક્ષાસવનો પૂરવઠો. કારણ આ ઊજવણીમાં દ્રાક્ષાસવનો ઉપયોગ છૂટે હાથે થતો. લગ્નપ્રસંગે વરકન્યાને ભેટ સોગાદો આપવાની પ્રથા હતી. આવી ભેટ સોગાદો આમંત્રિત મહેમાનો પાસેથી ક્યારેક તો હક કરીને માગવામાં આવતી. બદલામાં ભેટ સોગાદો આપનારા આમંત્રિતોને ધરાઇ ધરાઇને દ્રાક્ષાસવ પીવા મળતો. જો પૂરતા પ્રમાણમાં દ્રાક્ષાસવ ન મળે તો યજમાનોનો ભારે ફજેતો થાય.

સમસ્યા એ થઈ કે એ ઉજવણી દરમિયાન દ્રાક્ષાસવ ખૂટી ગયો. આ સમસ્યા નવદંપતીને માટે શરમજનક અને અપમાનજનક બની શકે. આ નવદંપતીની યજમાનગીરીને લાંછન લાગે. યહૂદી રિવાજ મુજબ આતિત્ય ભાવના તો પ્રત્યેક યહૂદીની પવિત્ર ફરજ છે. ઇસ્રાયલ અને તેના પડોશી દેશોમાં ઊછીના વ્યવહારનો માહોલ હતો. લગ્નપ્રસંગ એનો એક ઉત્તમ દાખલો છે. જો હું પેલા ભાઈને લગ્નપ્રસંગે નોતરું, તો હવે એ ભાઈની ફરજ બને છે કે તેમને ત્યાં લગ્નપ્રસંગ આવે ત્યારે મને નોતરું આપે. કેટલાંક સંજોગોમાં કાયદાકીય કાર્યવાહીની પણ જોગવાઈ હતી. જો હું આવો ઉછીનો વહેવાર ના નિભાવું તો મારા પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે. મને લગ્નપ્રસંગે પેલા ભાઈએ ભેટ આપી હતી. હવે મારે એ ભાઈના લગ્નપ્રસંગે એમને ભેટ આપવી જ પડે. જો હું ભેટ ન આપું તો એ ભાઈ મારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ શકે.

યહૂદી લગ્ન સાતેક દિવસ ઉજવાય તે દરમિયાન યજમાન પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવતી કે તેઓ પોતાના બધાં જ આમંત્રિતોની માનભેર સરભરા કરે. મા મરિયમ યજમાન સાથે કદાચ સગપણ અથવા સખીપણા ધરાવતાં હશે. એટલે મા મરિયમને પણ મહેમાનોની સરભરાની ગોઠવણમાં કોઈક જવાબદારી ફાળવવામાં આવી હશે. તેથી જ તેઓ દ્રાક્ષાસવ ખૂટી જાય છે ત્યારે તેમના પુત્રનું ધ્યાન એ તરફ દોરે છે. દ્રાક્ષાસવ ખૂટી જાય તો યજમાન અને મહેમાન બંને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ જાય. વરપક્ષને ત્યાં મહેમાન થઈને આવેલાં કન્યા પક્ષના સગાસંબંધીઓ વરપક્ષ પર માનહાનીનો દાવો પણ માંડી બેસે. આવું અજુગતું થાય તો તો લગ્નનો આનંદ અને ઉલ્લાસ, રંજ અને ક્લેશમાં ફેરવાઈ જાય.

ઈસુના હ્રદયમાં આ સમસ્યાને કારણે યજમાનપક્ષ પ્રત્યે અનુકંપા જાગે છે. ઈસુના દિલમાં વરપક્ષ માટે દયા જન્મે છે. જો ઇસુ હવે ચમત્કાર ન કરે તો યજમાન પરિવાર જીવનભર આ આઘાત અને ક્ષોભમાંથી બહાર ન આવી શકે. પ્રભુ આપણા પ્રત્યેનો તેઓનો પ્રેમ, અનુકંપા અને સહાનુભૂતિ દ્વારા વ્યકત કરે છે. ઇસુ આ સમસ્યાને યજમાનની દ્રષ્ટિએ જુએ છે અને પોતાના દિલને યજમાનના દિલમાં થનાર લાગણીઓથી ઊભરાવા દે છે. એવું કહેવાય છે કે સાત દિવસ ચાલતી લગ્નની ઉજવણીના આરંભમાં અમીરવર્ગને આમંત્રણ અપાતું અને તેઓની સરભરા ઉત્તમ કોટિના દ્રાક્ષાસવથી કરવામાં આવતી. ત્યારબાદ ગરીબવર્ગ મહેમાન તરીકે પધારતો ત્યારે તેને નિમ્નકક્ષાનો દ્રાક્ષાસવ પીરસવામાં આવતો. ભોજનના વ્યવ્સ્થાપક તો વરરાજાને કહે છે, “સૌ કોઈ સારો દ્રાક્ષાસવ પહેલો પીરસે છે અને બધા ધરાઈને પી લે પછી હલકો દ્રાક્ષાસવ કાઢે છે પણ તેં તો અત્યાર સુધી સારો દ્રાક્ષાસવ રાખી મૂક્યો છે!” આ શબ્દો સ્પષ્ટ કરે છે કે ઈસુને ગરીબ વર્ગની પડી છે. ઈસુ ગરીબ વર્ગને ઉત્તમ ક્ક્ષાનો દ્રાક્ષાસવ પીરસીને બતાવે છે કે ગરીબો પણ પ્રભુનાં સંતાનો છે.

બીજો ભાગ : બીજો ભાગ મરિયમને દયામયી માતા તરીકે રજૂ કરે છે. યહૂદી રિવાજ પ્રમાણે નક્કી સમય સુધી લગ્નની ઉજવણી ચાલુ રહે છે. મરિયમને ખબર પડે છે કે આ લાંબી ઉજવણીમાં દ્રાક્ષાસવનું ખૂટી જવું આ નવદંપતીના આનંદને બરબાદ કરી નાખશે. મરિયમનું હૈયું આ નવદંપતી પ્રત્યે દયાથી ઉભરાય છે અને તત્કાળ તેઓ દ્રાક્ષાસવની અછત પ્રત્યે તેમના દીકરાનું ધ્યાન દોરે છે. ઈસુ હજી દ્રિધામાં છે કે પોતાના કાર્ય કરવાનો સમય પાક્યો છે કે નહિ. ઈસુના મા ઈસુને જણાવે છે કે કોઈકનું ભલું કરવાની, કોઈકની મુશ્કેલીમાં તેનો હાથ ઝાલવાની ઘડી તો આવી પહોંચી છે. આવું કરવું એ જ પ્રભુની ઈચ્છા છે. ઈસુનાં મા ઈસુને પ્રભુની ઈચ્છા દર્શાવનારાં માધ્યમ બને છે.

મરિયમ એક સ્ત્રી હોવા છતાં પ્રભુની ઇચ્છા દર્શાવનાર એક માધ્યમ બને છે તે તો સ્ત્રી જાતિની પ્રભુએ કરેલી પ્રતિષ્ઠા અને બહુમાન છે. યહૂદી સમાજ સ્ત્રીનું આટલું સન્માન નહોતો કરતો. મરિયમ પોતાના પુત્રના પ્રારંભના લગભગ લાપરવાહ જવાબથી નિરાશ નહોતાં થયાં. ઉલટું, તેઓને તો દ્રઢ શ્રદ્ધા હતી કે પ્રભુ પોતાની ભલાઈ ઈસુ દ્વારા અવશ્ય દર્શાવશે. એટલે જ પોતાના પુત્રમાં ઊંડી શ્રદ્ધા ધરીને મા મરિયમ નોકરોને જણાવે છે કે, “એ કહે તેમ કરજો.”

ઈસુ તેમનાં માતાની નવદંપતીની લાજ રાખવાને અર્થે કરેલી અરેજને સ્વીકારે છે અને પાણીનો દ્રાક્ષાસવ બનાવે છે. મા મરિયમની નવદંપતી પ્રત્યેની અનુકંપાનો વિજય થાય છે અને ઉજવણી ચાલુ રહે છે. માતા અને પુત્ર વચ્ચેનો સંવાદ અત્યંત વિનમ્ર છે. મા મરિયમ કોઈ પણ વિપત્તિની વેળાએ ધારદાર અને અસારકારક અર્જ કરનાર મધ્યસ્થ છે. તેઓ જ ઈસુ સમક્ષ નવદંપતીની દયનીય સ્થિતીની રજૂઆત કરે છે અને ત્યારબાદ પોતાના અંતરમાં શ્રદ્ધા ધરીને ઈસુ ચમત્કાર કરે એની રાહ જુએ છે. ઈસુ પોતાનાં માતાની વિનંતીનો પહેલાં તો ખૂબ નમ્રતાથી અસ્વીકાર કરે છે, પણ પછી માતાની શ્રદ્ધા સામે ઝૂકી જાય છે. મા મરિયમ આજે આપણ સહુને માટે તેમના પુત્રને પ્રાર્થના કરે છે અને આપણ સહુને તેમના પુત્રના કહેવા પ્રમાણે કરવાનું શિક્ષણ આપે છે.

Changed On: 01-01-2020
Next Change: 16-01-2020
copyright@ Fr. James B Dabhi, S.J.