English |
ઈસુએ એક વખત પોતાના શિષ્યોને પૂછ્યું હું કોણ છું? તમે શું કહો છો?
આજે જેઓ ઈસુને પ્રભુ તરીકે પૂજીએ છીએ. ઈસુનું અનુકરણ કરીએ છીએ. ઈસુને અનુસરીએ છીએ. એવા ઈસુના અનુયાયીઓ ઈસુને પૂછીએ. ઈસુ અમે કોણ છીએ? તમે શું કહો છો?
ઈસુ રૂપક અલંકાર વાપરીને આપણને જવાબ આપે છે ‘તમે ધરતીનું લૂણ છો’. ઈસુએ તો ગાગરમાં સાગર ભરી થોડામાં ઘણું કહ્યું. રૂપક અલંકાર. લૂણ એટલે મીઠુ (Salt).
આ મીઠાના ગુણધર્મો કયા? સૌથી પહેલો (1) દેખાવમાં શુદ્ધ- સફેદ. (2) મીઠાના ફાકા ના મારી શકાય. ચોખા ચવાય. મીઠું એટલું ન ખવાય. (3) જ્યાં સ્વાદ નથી ત્યાં સ્વાદ આપે. ખીચડીમાં, રોટલીમાં, શાકમાં, કચુંબરમાં મીઠું નથી ઉમેરી દો સ્વાદ આવી ગયો. (4) ગુણધર્મ – સ્વાદ વધારે. તરબુચ કાપ્યું, સફરજન કાપ્યુ મીઠું ભભરાવો અરે મોસંબીની એક પેશી લો ને મીઠુ ભભરાવો. સ્વાદ વધી ગયો. (5) ઉષ્ણતાપમાન ઘટાડે – ભૂતકાળમાં કોઠીમાં આઇસ્ક્રીમ બનાવતા અને આઇસ્ક્રીમ માટે કોઠીમાં બરફ ભર્યો હોય એમાં મીઠું નાખીએ. બરફ જ શૂન્ય ડીગ્રી સેન્ટીગ્રેડ છે ને તેમાં મીઠુ નાખીએ એટલે ઉષ્ણતાપમાન ઘટતુ જાય. મીઠુ ઉષ્ણતાપમાન ઘટાડે (6) મીઠુ સાચવી રાખે - કેટલી બધી બાબતો આપણે મીઠા દ્વારા સાચવી રાખીએ છીએ. મીઠાના પાણીમાં આમળુ વગેરે.. (7) મીઠુ સ્વાસ્થ્ય બક્ષે - દાંત દુઃખે છે ડોક્ટરો કહેશે મીઠાના પાણીના કોગળા કરજો. ગળામાં દુઃખે છે મીઠાના પાણીના કોગળા કરજો. પગ મચકોડાઈ ગયો હળદરમાં થોડુ મીઠુ પાણીમાં ગરમ કરી લગાવી દેજો. રસાયણ શાસ્ત્રીઓ કહેશે મીઠુ એટલે NACL – સોડીયમ ક્લોરાઇડ. મારું જ્ઞાન એટલુ પાકુ નથી પણ એટલું સાંભળ્યું છે કે શરીરમાં સોડીયમની ખૂબ જરૂર છે અને સોડીયમ મગજને સ્થિરતા આપે છે. મગજનું સંતુલિતપણું જાળવી રાખે છે. આટલા બધા મીઠાના ગુણધર્મો છે. એટલે જ ઈસુએ મારી, તમારી, આપણી અસ્મિતા જાહેર કરવા શબ્દ વાપર્યો - ‘તમે ધરતીનું લૂણ છો’ ચાલો ગોઠવી જોઈએ.
મીઠુ શુદ્ધ :- ઈસુનો અનુયાયી શુદ્ધ હોવો ઘટે. આ એની અસ્મિતા માત્ર બાહ્ય રીતે નહી આંતરિક રીતે. બાહ્ય દેહ શુદ્ધિ નહી પણ અંતર શુદ્ધિ, દેહ શુદ્ધિ.
મીઠાના એકલા ફાકા ન મરાય :- ઈસુનો અનુયાયી કદી એકલપટો, એકલપંડો અને એકલવાયો નથી. ભળી જાય. સમગ્ર સમાજમાં ઓગળી જાય.
સ્વાદ આપે :- જેનું જીવન નિરસ થઈ ગયું છે જેનું જીવન શુષ્ક થઈ ગયું છે. તેને ખીલવી આપે. સ્વાદ ઉમેરે. ખૂબ જ ઉત્સાહમાં છે યુવાન, આ ઈસુનો અનુયાયી એની વાતચીતથી એના ઉન્માદને વધારે.
ઉષ્ણતાપમાન ઘટાડે :- બે વિગ્રહમાં સંડોવાયા છે. આ ઈસુનો અનુયાયી આ બંનેના ઉષ્ણતાપમાનને ઘટાડતા જ જાય. વિગ્રહ આખરે બંધ થઈ જાય.
સાચવી રાખે :- કોઈ નિરાશ થઈ ગયો છે. જીવન ટૂંકાવી દેવાનો વિચાર કરી રહ્યો છે. ઈસુનો અનુયાયી વાત કરે ને પેલું જીવન સચવાઈ જાય.
સ્થિરતા :- જેમ સોડીયમ શરીરને સ્થિરતા આપે છે. ઈસુનો અનુયાયી જ્યાં હોય ત્યાં સ્થિરતા Constancy – steadfastness.
આ અસ્મિતા ઈસુ કહે છે ‘તમે ધરતીનું લૂણ છો’ universal identify છે localize identify નથી એનો અર્થ એ થયો કે આ સ્થળ પૂરતી મર્યાદિત અસ્મિતા નથી. ઈસુનો અનુયાયી જ્યાં હોય ત્યાં તેણે ધરતીનું લૂણ બનવાનું છે. એ ધરતીનું લૂણ અહીં હોય કે ત્યાં, દેશમાં હોય કે પરદેશમાં. આ વૈશ્વિક અસ્મિતા છે.
બીજુ રૂપક ‘તમે દુનિયાના દીવા છો’ દીવાના બે મુખ્ય કાર્ય – અંધાર ઉલેચે પ્રકાશ પ્રસારે. ઈસુનો અનુયાયી અજ્ઞાન, અંધશ્રદ્ધા, અંધકાર દૂર કરે અને સત્ય અને પ્રેમનો પ્રકાશ પ્રસારે. આ દીવો અને આ લૂણ બંનેમાં કયો તફાવત – લૂણ ભળી જશે. ક્યાંય નજરે નહી પડે. ચાખવું પડશે. – ખીચડી ચાખીએ કે લીંબુનું મીઠાવાળું પાણીનું શરબત ચાખીએ. ચાખવાથી ખબર પડશે. જ્યારે દીવો સીધે સીધુ આંખે જોઈ શકે આ તફાવત છે. એક અદ્રશ્ય છે. બીજુ દ્રશ્ય છે. બંનેમાં શક્યતા ઈસુ રજૂ કરે છે. પેલુ લૂણ અલૂણ થઈ જાય અને દીવો ટોપલા નીચે ચાલ્યો જાય. આ બની શકે છે. એટલે દીવો જે અંધકાર ઉલેચવાનું કામ કરવાનું છે તે ન કરે. પેલુ લૂણ એના જ ગુણધર્મો છે તેને સદંતર વિસારે પાડી દે.
એટલે ઈસુ ત્રીજો ગુણધર્મ અથવા ત્રીજુ રૂપક ‘ડુંગર ઉપર વસેલુ શહેર’ આપે છે. ડુંગર ઉપર વસેલા શહેરને કોઈ વિકલ્પ નથી ઢંકાઈ રહેવાનો. દીવો ઢંકાઈ શકે. પેલુ લૂણ અલૂણુ થઈ જાય પણ ડુંગર ઉપર વસેલું શહેર કેમનું ઢંકાય. ના ઢંકાય. અને એટલે ઈસુ કહે છે લૂણ કદાચ સલૂણુ ન કરી શકાય. આ ટોપલા નીચેનો દીવો કદાચ ટોપલા નીચે જ રહી જાય. પણ જો ઈસુનો અનુયાયી ભૂલેચૂકે અલુણો થઈ ગયો તો તેણે સલુણો થવાનું છે. જો એ ટોપલા નીચે ઢંકાઈ ગયો તો તેણે દીવી પર આવવાનું છે. એના કાર્યો એના શબ્દો એની નોંધ લેવાશે જ. એની એ નોંધ જોતા, એની નોંધ લેવાતા એને સર્જન કરનાર પ્રભુના યશોગાન ગવાશે. કેવો છે ભાઈ કે કેવી છે આ બહેન એને ઘડનાર ધન્ય છે. ધન્ય છે એ ઘડનારને, એ સર્જનહારને.
તમારા કાર્યો જોઈને તમારા પરમપિતા યશોગાન ગાશે. હવે ડુંગર ઉપર વસેલુ શહેર ઢાંકેલુ રહે નહી. હિમાલયમાં એક મૃગ ફરે છે. કસ્તુરી મૃગ. એની નાભીમાં સુગંધી દ્રવ્ય છે. એની સોડમ એની સુવાસ ચોમેર એવી તો પ્રસરે છે ને કે સુવાસથી કોઈપણને ખબર પડી જાય. અહી તહી કસ્તૂરી મૃગ છે જ. રાતરાણી પસાર થતા હોય તો એવી સુવાસ કે અહીં તહીં રાતરાણીનો છોડ છે જ. બસ, ઈસુના અનુયાયીઓનું આવું જ છે. એની સુવાસ, એની સોડમ, એના સદ્દકાર્યો, એના સદ્દવચનો એની ઉપસ્થિતિનું ભાન કરાવે છે. એટલે ઈસુ જે અસ્મિતા રજૂ કરે છે તે વૈશ્વિક સ્તરે જ્યાં હોય ત્યાં. ઈસુનાં અનુયાયી એટલે ધરતીનું લૂણ. ઈસુના અનુયાયી એટલે દુનિયાનો દીવો. ઈસુનો અનુયાયી એટલે ડુંગર ઉપર વસેલું શહેર. ઈસુ, તમે જેમ આ ત્રણે ત્રણ લૂણ, દીવો અને ડુંગર ઉપર વસેલુ શહેર બનીને જીવ્યા તેમ અમને પણ ચાનક ચઢાવો. અમે પણ એ રીતે જીવવા પ્રયત્ન કરવાના છીએ. અમને સાથ આપતા રહેજો.
પ્રભુએ આપેલી એક ઓળખાણ દુનિયાના દીવા, ડુંગર ઉપર વસેલુ શહેર, પ્રકાશના સંતાનો, પ્રકાશને અનુસરનારાઓ એમ પ્રભુએ પોતે કરાવી છે. ઓળખાણ, ઢાંકી રાખવા, પોતાની કૂપમંડૂકતામાં ખોવાઈ જવા, અંધકારમાં અથડાઈને જીવન વ્યર્થ બનાવવાનું નથી. પ્રભુના પ્રકાશથી પ્રકાશવાનું છે. મીણબત્તી બની દિવ્ય પ્રકાશમાં સમાઈ જવુ પડશે, ધૂપ બની સુગંધ દઈ નષ્ટ થવાનું છે. એ જ રીતે ઈસુના શિષ્યએ શૂન્યવત બનવાનું છે. દાસનું સ્વરૂપ ધારણ કરવાનું. આપણા વાણી, વિચાર, વર્તન દ્વારા દુનિયાને બતાવીએ કે, ધરતીનું લૂણ, દીવા અને ડુંગર પર વસેલું શહેર છીએ, પ્રકાશના સંતાનો છીએ.