અધ્યાય-2

ઈસુનો જન્મ
 • હવે, એ સમયે એવું બન્યું કે, બાદશાહ ઓગસ્તસે આખા રોમન સામ્રાજ્યની વસ્તીગણતરી કરવાનું ફરમાન કાઢયું.
 • એ પહેલી વસ્તીગમતરી હતી અને તે સમયે કુરીનિયસ સિરિયાનો સૂબો હતો.
 • એટલે સૌ પોતપોતાને વતન નોંધવા માટે ચાલ્યાં ગયાં.
 • એ રીતે યોસેફ પણ. દાવિદના વંશના અને કુળના હોવાથી, ગાલીલના ગામ નાસરેથથી યુહૂદિયામાં આવેલા દાવિદના નગર બેથલહેમ નોંધાવા ચાલ્યા ગયા.
 • તેમની સાથે મરિયમ હતાં જેમની સાથે તેમના વિવાહ થયેલા હતા.
 • તે સગર્ભા હતાં અને તે લોકો ત્યાં હતાં એ દરમિયાન તેમની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો.
 • અને તેમણે પોતાના ખોળાના પુત્રનો જન્મ આપ્યો. તેમણે બાળકને કપડામાં લપેટીને ગમાણમાં સુવાડયો, કારણ, ઉતારામાં તેમને માટે જગ્યા નહોતી.
 • એ પ્રદેશમાં ખુલ્લા મેદાનમાં રહેતા કેટલાક ભરવાડો રાતે વારાફરતી પોતાનાં ઘેટાંની ચોકી કરતા હતા.
 • અચાનક પ્રભુવનો એક દૂત તેમની આગળ પ્રગટ થયો અને તેમની આસપાસ પ્રભુની પ્રભા ઝળહળવા લાગી. આથી તેઓ ખૂબ ભયભીત થઈ ગયા.
 • પણ દેવદૂતે તેમને કહ્યું, બીશો નહિ, સાંભળો, હું તમને ભારે આનંદના શુભસમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ આનંદ થઈ રહેશે.
 • આજે દાવિદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે.
 • એની એંધાણી એ કે, તમે એક બાળકને કપડામાં લપેટીને ગમાણમાં સુવાડેસો જોશો.
 • પલકારામાં એ દૂતની સાથે બીજા સ્વર્ગીય દૂતોનો સમૂહ ઈશ્વરની સ્તુતિ ગાતો નજરે પડયો.
 • પરમધામમાં ઈશ્વરનો મહિમા, અને પૃથ્વી ઉપર ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ !
 • પછી દેવદૂતો તેમની આગળથી સ્વર્ગમાં પાછી ચાલ્યા ગયા. એટલે ભરવાડો એકબીજાને કહેવા લાગ્યા. ચાલો, આપણે સીધા બેથલેહેમ જ જઈએ અને આ જે વસ્તુ બની છે અને ઈશ્વરે જેની આપણને જાણ કરી છે તેની ભાળ કાઢીએ.
 • તેઓ તાબડતોબ નીકળી પજયા અને તેમણે મરિયમને ને યોસેફને ને ગમાણમાં સુવાડેલા બાળકને શોધી કાઢયાં.
 • તેમને જોયા પછી ભરવાડોએ આ બાળકને વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કહી સંભળાવ્યું.
 • અને જેમણે જેમણે ભરવાડોની વાત સાંભળી તે સૌ અચંબો પામ્યાં.
 • પણ મરિયમ એ બધી વાતો પોતાના મનમાં સંઘી રાખીને તેના ઉપર વિચાર કરતાં રહ્યાં.
 • પછી ભરવાડો પોતે જે કાંઈ સાંભળ્યું ને જોયું હતું તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા વળ્યા, એમને કહેવામાં આવ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું.
પ્રભુને સમર્પણ
 • આઠ દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું. એનું ગર્ભાધાન થયા પહેલાં દેવદૂતે એ નામ પાડયું હતું.
 • મોશેની ધર્મસંહિતા અનુસાર તેમને માટે સૂતક ઉતારવાનો દિવસ આવ્યો ત્યારે તેઓ બાળકને પ્રભુને સમર્પણ કરવા માટે યરુશાલેમ લઈ આવ્યાં.
 • કારણ, પ્રભુની ધર્મસંહિતામાં લખ્યું છે કે, પ્રથમ જ્ન્મેલો દરેક પુત્ર પ્રભુને સમર્પણ કરવો.
 • પ્રભુની ધર્મસંહિતામાં કહ્યા પ્રમાણે તેણે બે હોલાં અથવા બે પારેવાંનાં બચ્ચાંનો ભોગ પણ ચડાવવાનો હતો.
 • એ વખતે યરુશાલેમમાં શિમયોન કરીને એક માણસ રહેતો હતો. તે ધર્મનિષ્ઠ અને ભક્તહૃદયનો હતો. તે ઈસ્રાયલના ઉદ્ધારની ઉત્કંઠાપૂર્વક રાહ જોતો હતો, અ તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો.
 • પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે, પ્રભુના અભિષિક્ત મુક્તિદાતાનાં દર્શન કર્યા પહેલાં તેને મરણ આવવાનું નથી.
 • પવિત્ર આત્માનો પ્રેર્યો તે મંદરિમાં આવ્યો હતો અને ઈસુનાં માતાપિતા ધર્મસંહિતાના રિવાજ પ્રમાણે કરવાની ક્રાયા માટે તેને લઈને મંદિરમાં આવ્યાં.
 • ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને ઈશ્વરની સ્તુતિ કરવા માંડીઃ
 • હે નાથ, તમારા કોલ પ્રમાણે તમે હવે તમારા આ દાસને શાંતિથી મુક્તિ કરી શકો છો.
 • કારણ, તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિમ્યા છે.
 • તેને મારી આંખે નિહાળ્યો છે.
 • તે દેશવિદેશના લોકેને અજવાળનાર જ્યોતિ, અને તેમારી પ્રજા ઈસ્રાયલનું ગૌરવ છે.
 • ઈસુના માતા અને પિતા એને વિશે જે કહેવાતું હતું તે સાંભળીને નવાઈ પામ્યાં.
 • શિમયોને તેઓને આશીર્વાદ આપ્યા અને પછી બાળકની માતા મરિયમને કહ્યું જો, આ બાળક ઈસ્રાયલમાં ઘણાંની પડતીનું તેમજ ચડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે.
 • અને એ રીતે ઘણા મનની વાતો બહાર આવશે. તારું પોતાનું અંતર પણ તલવારથી વીંધાઈ જશે !
 • આશરે કુળના ફનુએલની દીકરી હાન્ના નામે એક પયગંબર પણ ત્યાં હતી. તે ખૂબ ઘરડી હતી. લગ્ન પછી સાત વરસ તે પતિ સાથે રહી હતી.
 • અને ત્યાર પછી ચોર્યાસી વરસ થતાં સુધી વિધવા તરીકે એકલી રહેતી આવી હતી. તે કદી મંદિર છોડીને જતી નહોતી પણ ઉપવાસ અને પ્રાર્થના કરતી રાતદિવસ ભક્તિમાં લીન રહેતી હતી.
 • આ જ ક્ષણે ત્યાં આવી પહોંચીને તેણે ઈશ્વરની સ્તુતિ કરી અને જેઓ યરુશાલેમની મુક્તિની રાહ જોતા હતા તેમને સૌને ઈસુ સંબંધે વાતો કરી.
 • પ્રભુની ધર્મસંહિતા પ્રમાણેની બધી ક્રિયાઓ પતાવીને તેઓ ગાલીલમાં પોતાને ગામ નાસરેથ પાછાં ફર્યાં.
 • બાળક મોટો થયો તેમ તેમ તેનાં બળ અને જ્ઞાનની પણ વૃદ્ધિ થતી ગઈ અને તેના ઉપર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી.
ખોવાયા અને જડયા
 • એ બાળકનાં માબાપ દર વરસે પાસ્ખાના પર્વ ઉપર યરુશાલેમ જતાં હતાં.
 • જ્યારે ઈસુ બાર વર્ષના થયા ત્યારે પણ તેઓ વર્ષની પેઠે જાત્રાએ ગયાં.
 • ઉત્સવ પૂરો થતાં તેઓ પાછાં ઘેર આવવા નીકળ્યાં, પણ બાળ ઈસુ યરુશાલેમમાં જ રહી પડયા અને એમનાં માબાપને એની ખબર જ ન પડી.
 • ઈસુ પણ સંઘમાં જ છે એમ ધારીને એક દિવસ તો તેમણે પ્રવાસ જારી રાખ્યો, પણ પછી પોતાનાં સગાં-સંબંધીઓમાં અને ઓળખીતાં પાળખીતાંઓમાં તેમની શોધ કરવા માંડી.
 • છોકરાનો પત્તો લાગ્યો નહિ એટલે તેઓ શોધતાં શોધતાં પાછાં યરુશાલેમ આવ્યાં.
 • છેક ત્રીજે દિવસે તેમને મંદિરમાંથી તેમની ભાળ લાગી. ધર્મગુરુઓ વચ્ચે બેઠા બેઠા તે તેમનો ઉપદેશ સાંભળતા હતા અને તેમને પ્રશ્ન પૂછતા હતા.
 • એમની વાત સાંભળનાર સૌ કોઈ એમની બુદ્ધિથી અને એમના જવાબોથી ચકિત થઈ જતા હતા.
 • એમનો જોઈને એમનાં માબાપના આશ્ચર્યનો તો કંઈ પાર ન રહ્યો, અને તેમની માએ તેમને કહ્યું, બેટા, તેં આમ કેમ કર્યું ? જો, તારા બાપુ અને હું તો તને શોધી શોધીને અરધાં થઈ ગયાં.
 • તેમણે તેઓને કહ્યું, તમે શું કરવા મારી શોધ કરી ? તમને ખબર નહોતી કે, હું તો મારા પિતાના ઘરમાં જ હોઈશ ?
 • પણ તેમને એમનું સમજાયું નહિ.
 • પછી ઈસુ તેમની સાથે પાછા નાસરેથ વ્યા અને તેમના કહ્યામાં રહ્યા. એમની માએ આ બધી વાત પોતાના હૈયામાં સંઘી રાખી.
 • ઈસુ જ્ઞાનમાં અને ઉંમરમાં વધતા ગયા અને ઈશ્વરના અને માણસોના વધુ ને વધુ પ્રીતિપાત્ર બનતા ગયા.

અમારો સંપર્ક કરો

સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)


અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.