અધ્યાય-5
પ્રથમ શિષ્યો
- એક દિવસ ઈસુ ગન્નેસરેત સરોવરને કિનારે ઊભા હતા. અને લોકો ઈશ્વરની વાણી સાંભળવા માટે તેમના ઉપર પડાપડી કરતા હતા.
- એવામાં તેમણે બે હોડીઓને કિનારા પાસે પડેલી જોઈ. માછીઓ કિનારે ઊતરીને જાળ ધોતા હતા.
- તે હોડીઓમાંની એક, જે સિમોનની હતી, તેમાં ચડી જઈને ઈસુએ તેને હોડીને કિનારાથી થોડે દૂર લઈ જવા કહ્યું, પછી હોડીમાં બેઠા બેઠા તેઓ ઉપદેશ આપવા લાગ્યા.
- પ્રવચન પૂરું થતાં જ તેમણે સિમોનને કહ્યું, હોડી ઊંડા પાણીમાં લઈ લે અને તારી જાળ માછલાં પકડવા માટે પાણીમાં નાખ.
- સિમોને જવાબ આપ્યો, ગુરુદેવ અમે આખી રાત મહેનત કરી પણ કશું હાથ નથી લાગ્યું. પણ આપ કહો છો એટલે હું જાળ નાખું છું.
- જાળ નાખતાં જ ઢગલાબંધ માછલો તેમાં પકડાઈ, અને જાળ તૂટું તૂટું થવા લાગી.
- એટલે તે લોકોએ બીજી હોડીઓમાંના સાથીઓને મદદે આવવા ઈશારત કરી, તે લોકો આવ્યા અને બંને હોડીઓ એટલી ભરાઈ ગઈ કે ડૂબું ડૂબું થવા લાગી.
- આ જોઈને સિમોન પીતર ઈસુને પગે પડીને બોલી ઊઠયો, પ્રભુ, મારાથી દૂર રહેજો. હું તો પાપી છું.
- તે અને તેના બધા સાથીઓ પકડાયેલી માછલીઓનો ઢગલો જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.
- તેના ભાગીદારો ઝબદીના દીકરા યાકોબ અને યોહાનની પણ એ જ દશા હતી.
- ઈસુએ સિમોનને કહ્યું, ગભરાઈશ નહિ. હવેથી તું માણસોનો પકડનાર થશે.
- એટલે હોડીઓને કિનારે લાવ્યા પછી બધું છોડી દઈને તેઓ ઈસુની પાછળ પાછળ ચાલી નીકળ્યા.
તું સાજો થા
- એક વાર ઈસુ કોઈ શહેરમાં હતા ત્યારે એવું બન્યું કે આખે શરીરે કોઢ થયેલો એક માણસ ત્યાં આવી ચડયો. ઈસુને જોતાં જ સાષ્ટાંગ પ્રણામ કરીને તેણે તેમને આજીજી કરીને કહ્યું, પ્રભુ, આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો.
- ઈસુએ હાથ લંબાવીને તેને સ્પર્શ કરીને કહ્યું, હું તો ઈચ્છું છું, તું સાજો થા. અને તે જ ક્ષણે તેનો કોઢ મટી ગયો.
- ઈસુએ તેને કોઈને પણ કહેવાની મના ફરમાવીને કહ્યું, પણ જઈને પુરોહિતને તારું શરીર બતાવજે અને સાજા થવા બદલ મોશે ફરમાવ્યા પ્રમાણે નૈવેદ્ય ધરાવજે, એ એમને માટે પુરાવારૂપ બની રહેશે.
- છતાં ઈસુની ખ્યાતિ તો ઊલટી વધારે ને વધારે ફેલાતી ગઈ અને લોકોનાં ટોળેટોળાં તેમને સાંભળવા અને રોગમાંથી સાજાં થવા એકઠાં થવા લાગ્યાં.
- પણ ઈસુ અવારનવાર એકાંતમાં ચાલ્યા જતા અને પ્રાર્થના કરતા.
દેહ અને આત્માને સ્વાસ્થ
- એક દિવસ એવું બન્યું કે ઈસુ ઉપદેશ આપતા હતા અને ફરોશીઓ અને શાસ્ત્રીઓ પણ ત્યાં બેઠા હતા. એ લોકો ગાલીલ અને યહૂદિયાનાં ગામેગામથી તેમ જ યરુશાલેમથી આવ્યા હતા. અને પ્રભુની શક્તિ ઈસુને લોકોને સાજા કરવા પ્રેરતી હતી.
- એવામાં કેટલાક લોકો પક્ષઘાત થયેલા એક માણસને પથારીમાં સુવાડીને લઈ આવ્યા. અને તેઓ તેને ઈસુની આગળ મૂકવા અંદર લઈ જવાનો પ્રયત્ન કરતા હતા.
- પણ લોકોની ભીડ એટલી હતી કે તેને અંદર લઈ જવાનો કોઈ રસ્તો તેમને જડયો નહિ. એટલે તેઓએ છાપર ઉપર ચડીને નળિયાં ખસેડીને તેને પથારી સાથે બધા વચ્ચે ઈસુની આગળ ઉતાર્યાં.
- તેમની શ્રદ્ધા જોઈને ઈસુએ કહ્યું. ભાઈ, તારાં પાપો માફ કરવામાં આવ્યાં છે.
- શાસ્ત્રીઓ ને ફરોશીઓ વિચાર કરવા લાગ્યા, ઈશ્વરનિંદા કરનારો આ કોણ છે ? ઈશ્વર સિવાય પાપની માફી બીજો કોણ આપી શકે એમ છે ?
- પણ ઈસુએ તેમના મનની વાત કળી જઈને તેમને કહ્યું, તમે મનમાં આવા વિચાર કેમ કરો છો ? શું રહેલું છે ?
- તને તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે. એમ કહેવું સહેલું છે કે, ઊઠ ચાલવા માંડ, એમ કહેવું રહેલું છે ?
- પણ તમને ખબર પડે કે માનવપુત્રને પૃથ્વી ઉપર પાપની માફી આપવાનો અધિકાર છે, એટલા ખાતર-તેમણે પેલા લકવાવાળા માણસને કહ્યું હું તને કહું છું કે ઊઠ, અને તારી પથારી ઉપાડી તારે ઘેર જા.
- તરત જ બધાના દેખતાં તે ઊભો થયો અને જે પથારી ઉપર પોતે સૂઈ રહ્યો હતો તેને ઉપાડી લઈ ઈશ્વરના ગુણ ગાતો ગાતો પોતાને ઘેર ચાલ્યો ગતો.
- આ જોઈને બધા આશ્ચર્યમાં ડૂબી ગયા અને ઈશ્વરના ગુણ ગાતા ગાતા ભયભીત બનીને કહેવા લાગ્યા. “આજે આપણે માન્યામાં ન આવે એવી વસ્તુઓ જોઈ.”
પાપીઓનું તેડું
- આ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના જકાતદારને જકાતનાકામાં બેઠેલો જોઈ તેમણે તેને કહ્યું, મારી પાછળ પાછળ આવ.
- એટલે તે ઊઠીને સર્વસ્વનો ત્યાગ કરીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો.
- પછી લેવીએ પોતાના ઘેર ઈસુના માનમાં મોટો સત્કારસમારંભ યોજયો. ઘણા જકાતદારો અને બીજાઓ પણ તેમની સાથે પંગતમાં બેઠા હતા.
- ફરોશીઓ અને તેમના સંપ્રદાયના શાસ્ત્રીઓ ઈસુના શિષ્યો આગળ બબડાટ કરવા લાગ્યા, તમે લોકો જકાતદારો અને પાપીઓ સાથે કેમ ખાઓ છો પીઓ છો ?
- ઈસુએ તેમને જવાબ આપ્યો, વૈદની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે.
- હું તો પુણ્યશાળીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા અવચર્યો છું, જેથી તેઓ હૃદયલટો કરે.
જૂના વસ્ત્ર ઉપર કોરું થીગડું ન ચાલે
- પછી તે લોકોએ તેમને કહ્યું, યોહાનના શિષ્યો તો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, અને ફરોશીઓના શિષ્યો પણ એ પ્રમાણે કરે છે. પણ તમારા શિષ્યો તો ખાય છે પીએ છે !
- ત્યારે ઈસુએ તેમને જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી જાનૈયાઓ પાસે તમે ઉપવાસ કરાવી શકો ખરા ?
- પરંતુ એવો પણ વખત આવશે, જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે, અને ત્યારે તે વખતે, તેઓ ઉપવાસ કરશે.
- પછી તેમણે તેઓને એક દષ્ટાંત પણ કહી સંભળાવ્યું, કોઈ નવા વસ્ત્રમાંથી કાપીને જૂના વસ્ત્ર ઉપર થીગડું મારતું નથી. જો કોઈ એમ કરે તો નવ વસ્ત્રમાં કાણું પડે અને નવા વસ્ત્રમાંના થીગડાનો જૂના સાથે મેળ ન ખાય.
- તે જ પ્રમાણે, કોઈ જૂના કુપ્પામાં નવો દ્રાક્ષાસવ ભરતું નથી. ભરે તો નવો આસવ કુપ્પાને ફાડી નાખે અને આસવ પણ ઢોળાઈ જાય, અને કુપ્પા નકામાં જાય.
- પણ નવો આસવ તો નવા કુપ્પામાં ભરવો જોઈએ.
- વળી, જૂનો દ્રાક્ષાસવ પીધા પછી કોઈને નવો આસવ પીવાની ઈચ્છા થતી નથી. તે તો કહેવાનો કે, જૂનો જ સારો છે.