અધ્યાય-17
પાપનાં પ્રલોભનો
- ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, પાપનાં પ્રલોભનો ઊભાં ન થાય એ તો અશક્ય છે, પણ જેની મારફતે એ ઊભાં થાય છે તેની દુર્દશા જોઈ નહિ જાય !
- એ માણસ વા નાનેરા જનોમાંના એકાદને પાપમાં પ્રેરે એના કરતાં તો ગળે ઘંટીનું પડ બાંધીને તેને દરિયામાં ફેંકી દેવામાં આવે એ તેને માટે બહેતર છે.
- તમે સાવધ રહેજો !
ક્ષમા
- જો તારો ભાઈ કંઈ અપરાધ કરે તો તેને ઠપકો આપજે, અને જો તે પસ્તાવો કરે તો તેને ક્ષમા કરજે.
- જો તે દિવસમાં સાત વાર તારો આપરાધ કરે અને સાત વાર તારી પાસે આવીને કહે કે, મને પસ્તાવો થાય છે. તો તારે તેને ક્ષમા આપવી.
શ્રદ્ધા
- પ્રેષિતોએ પ્રભુને કહ્યું, અમારી શ્રદ્ધા વધારો.
- અને પ્રભુએ જવાબ આપ્યો, તમારામાં રાઈના દાણા જેટલીયે શ્રદ્ધા હશે ઇને તમે આ ઊમરાના ઝાડને કહેશો કે, અહીંથી ઊખડીને દરિયામાં રોપાઈ જા, તો તે તમારું કહ્યું કરશે.
વિરલ કૃતજ્ઞતા
- યરુશાલેમ જતાં ઈસુ શમરુન અને ગાલીલની વચ્ચેની સરહદ પર થઈને નીકળ્યા.
- તેઓ એક ગામમાં દાખલ થતા હતા એવામાં દસ કોઢિયા તેમને સામે મળ્યા.
- તેમણે થોડે દૂર ઊભા રહીને બૂમ પાડી કહ્યું, ઓ ઈસુ, ઓ ગુરુજી, અમારા ઉપર દયા કરો !
- તેઓને જોઈને ઈસુએ કહ્યું, જઈને તમારું શરીર પુરોહિતોને બતાવો. અને તેઓ જતા હતા ત્યાં રસ્તામાં જ તેઓ સાજા થઈ ગયા.
- પોતે સાજો થઈ ગયો છે એ જોઈને તોઓમાંનો એક જણ મોટે મોટેથી ઈશ્વરના ગુણગાન ગાતો પાછો ફર્યો.
- અને ઈસુને લાંબો થઈને પગે લાગીને તેમનો આભાર માનવા લાગ્યા, હવે. એ માણસ શમરુની હતો.
- આ ઉપરથી ઈસુએ કહ્યું, દસે દસ સાજા નહોતા થયા ? બાકીના નવ ક્યાં છે ?
- આ એક પરદેશી સિવાય બીજા કોઈને પાછા આવીને ઈશ્વરનાં ગુણગાન કરવાનું સુઝ્યું નહિ ?
- પછી તેમણે પેલા માણસને કહ્યું, ઊઠ, અને તારે રસ્તે પડ. તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.
ઈશ્વરના રાજ્યનું આગમન
- ઈશ્વરનું રાજ્ય ક્યારે આવવાનું છે ? એવું ફરોશીએએ પૂછતાં ઈસુએ જવાબ આપ્યો. ઈશ્વરનું રાજ્ય નજરે જોઈ શકાય એ રીતે આવતું નથી.
- લોકો એમ નહિ કહી શકે કે, જુઓ, આ રહ્યું અથવા જુઓ, પેલું રહ્યું, સાચી વાત એ છે કે, ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે જ છે.
- વળી, તેમણે શિષ્યોને કહ્યું, એવો સમય આવશે જ્યારે તમે માનવપુત્રના સમયનો એક દિવસ પણ જોવા તલસશો, પણ જોવા નહિ પામો.
- લોકો તમને કહેશે, જુઓ પેલો રહ્યો, જુઓ આ રહ્યો. પણ તમે ખસશો નહિ. એમની પાછળ દોડશો નહિ.
- કારણ જેમ વીજળી આકાશના એક છેડેથી જબૂકી ઊઠીને બીજા છેડે સુધી પ્રકાશ ફેલાવી દે છે, તેમ માનવપુત્ર પણ એનો સમય આવતાં પ્રગટ થશે.
- પણ તે પહેલાં એણે પુષ્કળ દુઃખો વેઠવાં પડશે, અને આ પેઢીનો જાકારો પામવો પડશે.
- નૂહના વખતમાં જેવું હતું તેવું જ માનવપુત્રના આગમન વખતે પણ હશે.
- નૂહ વહાણમાં ચડી ગયો ત્યાં સુધી લોકો ખાતા હતા, પીતા હતા, પરણતા હતા. પરણાવતા હતા, અને જળપ્રલયે આવીને બધાનો નાશ કર્યો.
- લોતના વખતમાં પણ એમ જ બન્યું હતું, લોકો ખાતા હતા. પીતા હતા, વેપારધંધો કરતા હતા, ખેતી કરતા હતા, ઘર બાંધતા હતા, પણ લોત સદોમની ચાલ્યો ગયો તે જ દિવસે ઈશ્વરે આકાશમાંથી આગ અને ગંધક વરસાવી બધાનો નાશ કર્યો.
- માનવપુત્રને પ્રગટ થવાને દિવસે પણ એમ જ થવાનું.
- એ દિવસે જે માણસ છાપરા ઉપર હોય અને તેનો સરસામાન ઘરની અંદર હોય તો તેમે તે લેવા નીચે ન આવવું, તે જ પ્રમાણે જે માણસ ખેતરમાં હોય તેણે પાછા ન આવવું.
- લોતની સ્ત્રીને યાદ કરજો.
- જે કોઈ પોતાનું જીવન સચાવવા તાકશે તે ખોશે, અને જે ખોશે તે બચાવશે.
- હું તમને કહું છું કે, તે વખતે બે જણ એક પથારીમાં સૂતા હશે, તેમાંથી એકને લેવામાં આવશે અને બીજાને પડતો મૂકવામાં આવશે.
- બે બાઈઓ સાથે દળતી હશે, એકને લેવામાં આવશે પણ બીજીને પડતી મૂકવામાં આવશે.
- બે જણ ખેતરમાં હશે એકને લેવામાં આવશે અને બીજાને પડતો મૂકવામાં આવશે.
- આ ઉપરથી તેઓએ ઈસુને પૂછ્યું, પ્રભુ, આ બદું ક્યાં બનશે ?
- તેમણે જવાબ આપ્યો, જ્યાં મડદું હશે ત્યાં ગીધડાં ભેગાં થવાના.